વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રયાગરાજમાં રૂ. 5500 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રયાગરાજમાં રૂ. 5500 કરોડનાં વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ
Blog Article
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભમેળાના અનુસંધાનમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ કર્યો હતો. આ અવસરે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, કે, આ મહાકુંભ દુનિયામાં સૌથી મોટો મેળો છે, જ્યાં 45 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે એક સંપૂર્ણ નવું શહેર ઊભું કરવામાં આવ્યું છે. “પ્રયાગરાજની ભૂમિ પર એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે.” આગામી વર્ષે મહાકુંભનું આયોજન રાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરો પર લઈ જશે અને તેમણે કહ્યું હતું કે, એકતાના આ પ્રકારના ‘મહાયજ્ઞ’ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. મોદીએ કહ્યું હતું કે, “ભારત પવિત્ર સ્થળો અને તીર્થસ્થાનોની ભૂમિ છે.” તેમણે ઉમેર્યું હતું કે, તે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા અને અન્ય અનેક નદીઓની ભૂમિ છે. પ્રયાગને આ નદીઓના પવિત્ર પ્રવાહનો સંગમ, સંગ્રહ, મંડળ, સંયોજન, પ્રભાવ અને શક્તિ ઉપરાંત ઘણાં તીર્થસ્થળો ધરાવે છે અને તેની મહાનતા જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગ માત્ર ત્રણ નદીઓનો સંગમ જ નથી, પરંતુ તેનાથી પણ વિશેષ છે. તેનું ધાર્મિક મહત્વ સમજાવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે પ્રયાગ વિશે કહેવામાં આવ્યું છે કે આ એક પવિત્ર સમય છે જ્યારે સૂર્ય મકરના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમામ દૈવી શક્તિઓ, અમૃત, ઋષિઓ અને સંતો પ્રયાગમાં નીચે ઉતરે છે. પ્રયાગ એક એવું સ્થળ છે જેના વિના પુરાણો અધૂરા રહી જશે. પ્રયાગ એક એવું સ્થળ છે, જેની વેદોના શ્લોકોમાં પ્રશંસા કરવામાં આવી હતી.
વડાપ્રધાને પ્રયાગરાજની મુલાકાત દરમિયાન સંગમ પર પૂજા અને દર્શન કર્યા હતા અને ત્યારબાદ અક્ષયવટ વૃક્ષમાં પૂજા કરી હતી. ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મહાકુંભ પ્રદર્શન સ્થળની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાને મહાકુંભ 2025 માટે જે પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું તેમાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટ્સ જેવા કે 10 નવા રોડ ઓવર બ્રીજ (આરઓબી) અથવા ફ્લાયઓવર, કાયમી ઘાટ અને રિવરફ્રન્ટ રોડ વગેરેનો સમાવેશ થાય છે.
ગંગા નદી તરફ જતી નાની ગટરોને અટકાવવા, ટેપીંગ, ડાયવર્ઝન અને ટ્રીટમેન્ટના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે સુનિશ્ચિત કરશે કે નદીમાં ગંદુ પાણી છોડવામાં નહીં આવે. તેમણે પીવાના પાણી અને વીજળીને લગતા વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કર્યું હતું.
વડાપ્રધાને મુખ્ય મંદિર કોરિડોરનું ઉદઘાટન કર્યું હતું. જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર, શ્રીંગેવરપુર ધામ કોરિડોર, અક્ષયવટ કોરિડોર, હનુમાન મંદિર કોરિડોર સામેલ છે. આ વિવિધ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓની પહોંચમાં સરળતા સુનિશ્ચિત થશે અને આધ્યાત્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. તેમણે Kumbh Sah’AI’yak ચેટબોટ લોન્ચ કરી હતી, જે મહાકુંભ મેળા 2025 પર શ્રદ્ધાળુઓને કાર્યક્રમો વિશે માર્ગદર્શન અને અપડેટ આપવા માટે વિગતો પ્રદાન કરશે.